મારું અંધારું સુરજ્નું ઓશિયાળું નથી,
ને મારા ચરણને નથી કોઇ પગદંડીનો મોહ
હું સ્વયં પ્રગટું છું ને ચાલુ છું,
નિર્ધારિત રસ્તા વિહિન ધરતી પર.
ધરતી જેમ પોતાના હ્રદયપટ પર વરસાદને ઝીલે છે
તેમ હું
સમગ્રતાને મારી ભીતર ચેતનાની ભૂમિ ઉપર ઝીલું છું.
ત્યારે તેની મૃણ્મયી સુગંધ
મારા અસ્તિત્વના તારને ઝણઝણાવી દે છે
એ નાદના તાલે
અનંત કાળના ઓવારે
નૃત્ય કરી રહ્યુ છે આખુયે બ્રહ્માંડ
કશુ યે સ્થિર નથી
કશુ યે જડ નથી
છે માત્ર
લાસ્ય અને તાંડવ
અદ્ભુત અને અભિન્ન.
(સાભાર: યશોધરા પ્રીતિ)