હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.
હો એક રે ગાયનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર...
હે જી રે કર્મનો સંગાથી...
હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય...
હે જી રે કર્મનો સંગાથી...
હો એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય...
હે જી રે કર્મનો સંગાથી...
હો એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ...
હે જી રે કર્મનો સંગાથી...
હો એક રે વેલાના દો દો તુંબડાં,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર...
હે જી રે કર્મનો સંગાથી...
હો એક રે વાંસની દો દો વાંસળી,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર...
હે જી રે કર્મનો સંગાથી...
હો એક રે માતને દો દો બેટડા,
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય....
હે જી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ...
હે જી રે કર્મનો સંગાથી...
No comments:
Post a Comment