મારું અંધારું સુરજ્નું ઓશિયાળું નથી

મારું અંધારું સુરજ્નું ઓશિયાળું નથી,

ને મારા ચરણને નથી કોઇ પગદંડીનો મોહ

હું સ્વયં પ્રગટું છું ને ચાલુ છું,

નિર્ધારિત રસ્તા વિહિન ધરતી પર.

ધરતી જેમ પોતાના હ્રદયપટ પર વરસાદને ઝીલે છે

તેમ હું

સમગ્રતાને મારી ભીતર ચેતનાની ભૂમિ ઉપર ઝીલું છું.

ત્યારે તેની મૃણ્મયી સુગંધ

મારા અસ્તિત્વના તારને ઝણઝણાવી દે છે

 નાદના તાલે

અનંત કાળના ઓવારે

નૃત્ય કરી રહ્યુ છે આખુયે બ્રહ્માંડ 

કશુ યે સ્થિર નથી

કશુ યે જડ નથી

છે માત્ર

લાસ્ય અને તાંડવ

અદ્ભુત અને અભિન્ન

(સાભાર: યશોધરા પ્રીતિ)

ચાલ ઘડી બે ઘડી

ચાલ ઘડી બે ઘડી
વાત કરી લઉ કે...
આજ મન બહુ ઉદાસ છે,
જન્મી ને પણ જાણી ન શક્યા
જન્મ નો હેતુ,
મેળવીને બધુ,
આજ પણ અધુરા હોવાનો અહેસાસ છે,
ચાલ પ્રભુ ,
આજ તુઁ જ અમને સમજાવી દે...
ક્યાઁક એવુ તો નથી ને... કે...
આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી,
વરસતા વરસાદના છાઁટામા જ...
પુર્ણતા નો આધાર છે...?

(સાભાર: સ્મિતા કામદાર)

યાદ છે આપને

યાદ છે આપને
આપણે બંને મળતા હતા,
ગુંજારવ કરતા પ્રેમનોને
એકમેકમાં ખોવાતા હતા,
સ્પર્શ્ કરતો હું આપને ને
તમે રોમાંચિત થઈ જતા હતા,
પ્રેમના એક મીઠા ચુંબનને
ભરબજારે ચોડતા હતા,
બેસતા હતા એકજ બાંકડે ને
સમયને અવગણતા હતા,
ક્યા ગયુ મારુ એ સ્વપ્ન
એ સ્વપ્ન દેખાડનાર આપજ હતા,
દુનિયાના હજારોની વચ્ચે
ફક્ત મને આપ ચાહતા હતા,
હતુ ફક્ત નાનકડુ હ્રદય
પણ કેટલો પ્રેમ સમાવતા હતા,
અનેક એવા રસ્તા હતાજ્યા
ફક્ત હુ અને આપજ હતા,
એવીતો અનેક જગ્યાઓ છે
જ્યા આપ ને હુ સમય વીતાવતા હતા,
હર એક એજ જગ્યા છે પણ
અત્યારે આપની યાદોની રાખ છે .

ચાહીશ તને હું

દુનીયા એ એવો મુજને દગો દીધો,
પ્રેમ તુજને કરું, ના એવો મોકો દીધો,
પહોંચાડી તને સીધી, મારા મોત ની ખબર,
અને પહોંચાડ્યો સીધો મને, મોત ને કબર...

ખબર શું તને મારી, દશા શું થઈ છે?
તને પ્રેમ કરવાની, સજા આ મળી છે...

પ્રેમ કરવાને તને, મેં લીધો આ જનમ,
ના ખબર મુજને એની, બાદબાકી મળી છે...

નીકળી ગયો તારા આ, શહેર થી આજે,
ખતા એક કરી તો, સફર આ મળી છે...

મનાવી લે મન, દિલ મારા કહી ને,
જીવવાની એને, એક તક તો મળી છે...

ચાહીશ તને હું હવે, હર શ્વાસ માં,
ભલે તુ નહી, તારી યાદો તો મળી છે...

નસીબથી મળી છે જીંદગી

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો "કેમ છો?" એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

(સાભાર: જયરામ દેસાઈ)

એ દોસ્ત

તને કોઇ ન મલ્યો કે લીધો આડે હાથ મને દોસ્ત!
યાદ કર ઝંખ્યો હતો એક દી આ સંગાથ એ દોસ્ત!

ચાલો આવ્યો કામ તારી ગઝલમા તો બની વિષય
મુબારક હો, તને આપુ શુ બીજો જવાબ એ દોસ્ત!

રદીફ ઘુંટ્યા, કાફીયા ઘુંટ્યા, ઘુંટ્યા અંતે મત્લા ઘના
આ સંબંધને પન થોડો પ્રેમથી ઘુંટવો હતો દોસ્ત.

ભલે ન ખાસમા, મને રાખવો હતો આસપાસમા
મારે ક્યા બેસવુ હતુ કદી તારા ખંધોલે એ દોસ્ત!

કોઇ આગળ ને કોઇ પાછળ, ચાલતુ એમ પ્રવાસમા
સમય મલે તો પાછુ ફરીને જરી જોજે, એ દોસ્ત!

તને કોઇ ન મલ્યો કે લીધો આડે હાથ મને દોસ્ત!
યાદ કર ઝંખ્યો હતો એક દી આ સંગાથ એ દોસ્ત!

સમય... મારા ભાઇ :: સુરેશ જાની

સમય ભુલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
હતા કદીયે ભાનમાં? તે ભુલીયે પાછા ભાઇ?

સમય સમયની બલિહારી છે, એવું કહો છો ભાઇ!
સમય આવે ને મન ઊઠે, એમેય બને છે ભાઇ!

સમય વર્તે સાવધાન, તે ભારી બંકા ભાઇ !
શેરને ય માથે સવાશેર છે, તે પણ સાચું ભાઇ!

સમયનાં વાજાં સમયે વાગે, તે તો સાચું ભાઇ!
સંકટનાં પડઘમ ના શમતા, તેનું શું કરવું ભાઇ?

સમય જતાં સહેવાશે, એવું કહો છો ભાઇ!
પણ મારા દિલની આ ઊલઝન, શેં કદિ ન ઊલઝે ભાઇ?

કોઇને માટે નથી અટકતો, સમય તે સાચું ભાઇ!
પગલે પગલે અટકાવી દે, તેનું શું કરવું ભાઇ?

શ્વાનનો ય સમય આવશે, એવું કહો છો ભાઇ!
રાહ એની શેં જોવી? મુજને સમઝાવો ભાઇ!

ક્યારે ય કોઇનો થયો નથી, આ સમય, મારા ભાઇ
ખયાલ બદલું તો તને ય નાથું, એ પણ સાચું ભાઇ!

સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

(સાભાર: સુરેશ જાની)

શાનદાર :: સૈફ પાલનપુરી

હોઠો હસી રહ્યા છે અને અશ્રુધાર છે;
મારા વિશે આ મારો અનોખો પ્રચાર છે.

અવકાશ જો મળે તો તમે આ વિચારજો,
યૌવનની ભૂલ એક સરસ યાદગાર છે.

ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા,
મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે.

બચપણ પછી યુવાની, યુવાની પછી ઉમંગ,
કેવો સરળ ને છાનો તમારો પ્રચાર છે.

વિશ્વાસ હું મૂકું છું બધા માનવી ઉપર,
વર્ષોથી મારો પ્રિય વિષય અંધકાર છે.

પગલાંઓ મારાં મેં જ ભૂંસ્યા કે ભરમ રહે,
વાતાવરણ કહે કે કોઈ આવનાર છે.

ઉપકાર પણ કરીને ઢળી જાય છે સદા,
આંખો ઉપર ખુદાને ખબર શેનો ભાર છે?

કહેવું પડ્યું ઢળેલાં નયન જોઈને આ 'સૈફ'
જે પ્યારમાં મળે એ પતન શાનદાર છે.

- સૈફ પાલનપુરી

સમજાવી નથી શકતો

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું 'મરીઝ' એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.

વિષાદ

મને ગમે છે,
મારો વિષાદ...

અવારનવાર પ્રેમમાં પડું છું
અને
એ રીતે આવકાર આપ્યા કરું છું,
મારા વિષાદને !
બસ,
પછી એને આત્મસમર્પણ કરું છું...

એ પણ મને સ્વીકારે છે
(કોઈ તો છે, જે સ્વીકારે છે મને..
અને,
કોઈકને તો હું સમર્પિત થઈ શકું છું,
પૂર્ણપણે !!)

હું એને માણ્યાં કરું છું,
એ આલિંગે છે મને
કસોકસ...

મારું અસ્તિત્વ હાંફી જાય ત્યાં સુધી...
મને મજા આવે છે,
જ્યારે એ ઉતરડી નાંખે છે
મારા આત્માને,

પોતાના અદ્રશ્ય નખો વડે
(જે મને કો'ક પ્રેયસીના
સ્પર્શથીયે વધુ રેશમી લાગે છે)

અને જલાવી દે છે પોતાની
અગનજ્વાળામાં
મારી
અમરત્વ પામેલી ઈચ્છાઓને પણ !

મને ગમે છે,
મારો વિષાદ...
એટલે જ તો
ફરી નવા પ્રેમની
શોધમાં છું,
આજકાલ!

તારું નામ દઉં

શ્રદ્ધા ફળે જો એને તારું નામ દઉં,
ખુદા મળે જો એને તારું નામ દઉં.

કોરા-કટ કાગળમાં સૂકાભઠ શબ્દો,
લાગણી સળવળે જો એને તારું નામ દઉં.


દિલને થીજવતી આ ઠંડી શૂન્યતા,
બરફ ઓગળે જો એને તારું નામ દઉં.

હવે આ આગમાં કશુંયે ના હોમશો,
ભડકે બળે જો એને તારું નામ દઉં.