એકલો એકલો :: સુરેશ દલાલ

એકલો એકલો તારી સાથે વાત કરું છું
તું સાંભળે છે કે નહીં ?
સમજે છે કે નહીં ?
તું મને ઓળખે છે કે નહીં ?
મને એની પરવા નથી.

તારી સાથે વાત કરું
ને હળવો થાઉં
તું ગુલાબ હોય કે
આભનો ઊંચો ચંદ્ર
તું આકાશ હોય કે
પૃથ્વી :
તું કાંઈ પણ હોય
કે ન પણ હોય
પણ હું હોઉં છું
એટલે વાત કરું છું:
વાત કર્યા વિના મને
ચેન પડે નહીં.

તું કોઈ પણ રીતે
હશે તો ખરો !
નહીં તો વાત કરવાની
ઝંખના કદી જાગે નહીં.
વાદક ક્યાંક તો હશે
નહીં તો વીણા કદી
અમથી અમથી
હવાના સ્પર્શે
આટલી ઝીણી વાગે નહીં.

No comments:

Post a Comment