શ્રી હનુમાન ચાલીસા

શ્રીગુરૂ ચરન સરોજ રજ નિજ મન મુકુરુ સુધારિ,
બરનઉ રઘુવર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.

શ્રી ગુરુદેવના ચરણકમળની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરીને, શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્નણ કરું છું, જે ચારેય ફળ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) આપનારું છે.

બુધ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર;
બલ બુધ્ધિ વિદ્યા દેહું મોહિં હરહુ કલેશ વિકાર.

હે પવનકુમાર ! હું પોતાને બુધ્ધિહીન સમજીને આપનું સ્મરણ કરું છું. આપ મને શારીરિક બળ, સદ્ બુધ્ધિ તથા જ્ઞાન પ્રદાન કરો અને મારાં સઘળાં દુઃખ દૂર કરો.

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,
જય કપીસ તિહું લોક ઉજાગર. ૧

હે હનુમાનજી ! આપનો જય થાઓ ! આપ જ્ઞાન તથા ગુણોના સાગર છો. હે ત્રણે લોકમાં પ્રકાશમાન કપીશ્વર આપનો જય હો.

રામદૂત અતુલિત બલ ધામા,
અંજનીપુત્ર પવનસુત નામા. ૨

હે પવનસુત અંજનિનંદન, આપ શ્રી રામચન્દ્રજીના દૂત છો. આપના સમાન બીજું કોઈ બળવાન નથી.

મહાવીર બિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી. ૩

હે મહાવીર બજરંગબલી ! આપ ખરાબ બુધ્ધિને દૂર કરનારા અને સદ્ બુધ્ધિવાળાના સાથી છો.

કંચન બરન બિરાજ સુબેસા,
કાનન કુંડલ કુંચિત કેસા. ૪

આપનું શરીર સોના જેવા રંગનું છે, સુંદર વેશ છે, કાનોમાં કુંડળ છે અને શિર પર વાંકડિયા વાળ છે.

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે,
કાંધે મૂંજ જનેઉ છાજે. ૫

આપના હાથમાં વજ્ર અને ધજા સુશોભિત છે અને ખભા ઉપર મુંજની યજ્ઞોપવીત છે.

સંકર સુવન કેસરીનંદન,
તેજ પ્રતાપ મહા જગ વંદન. ૬

હે હનુમાનજી ! આપ સાક્ષાત્ શિવ છો. હે કેસરીનંદન ! આપના તેજ અને પ્રતાપથી સમસ્ત સંસારમાં આપ સર્વના વંદનીય છો.

વિદ્યાવાન ગુની અતિ ચાતુર્
રામ કાજ કરિબે કો આતુર. ૭

આપ પ્રકાંડ વિદ્યાનિધાન છો, ગુણવાન અને અત્યંત ચતુર છો. શ્રી રામજીનાં કાર્યો કરવામાં આપ ઉત્સાહી રહો છો.

પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા,
રામ લખન સીતા મન બસિયા. ૮

શ્રી રામનું ચરિત્ર સાંભળવાના આપ બહું રસિયા છો. શ્રી રામજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજીના મનમાં આપ નિવાસ કરો છો.

સુક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા,
બિકટ રૂપ ધરિ લંક જલાવા. ૯

આપે આપનું ઘણું નાનું સ્વરુપ ધારણ કરીને સીતાજીને બતાવ્યું અને ભયંકર રૂપ ધારણ કરીને લંકાને બાળી.

ભીમ રૂપ ધરી અસુર સંહારે,
શ્રી રામચંદ્ર કે કાજ સંવારે. ૧૦

આપે વિકરાળ રૂપ ધારણ કરીને રાક્ષસોને માર્યા અને શ્રી રામચન્દ્રજીના કાર્યને સફળ બનાવ્યું.

લાય સજીવન લખન જિયાયે,
શ્રી રઘુવીર હરષિ ઉર લાયે. ૧૧

આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીને જીવાડ્યા જેથી રઘુવીરે આનંદિત થઈને આપને હ્રદય સરસા ચાંપ્યા.

રઘુપતિ કીન્હ બહુત બડાઈ,
તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઈ. ૧૨

શ્રી રામચન્દ્રજીએ આપની બહુ પ્રશંસા કરી અને કહ્યું કે તમે મારા ભરત જેવા પ્રિય ભાઈ છો.

સહસ બદન તુમ્હરો યશ ગાવૈં,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં. ૧૩

"હજાર મુખેથી તમારો યશ ગાવો જોઈએ" એમ કહીને શ્રી રામચન્દ્રજીએ આપને ગળે લગાડ્યા.

સનકાદિક બ્રહ્માદિ મુનીસા,
નારદ શારદ સહિત અહીસા. ૧૪
જમ કુબેર દિગ્પાલ જહાં તે,
કબિ કોબિદ કહિ સકે કહાં તે. ૧૫

શ્રી સનક, શ્રી સનાતન, શ્રી સનંદન, શ્રી સનતકુમાર આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, નારદજી, સરસ્વતીજી, શેષનાગજી, યમરાજ, કુબેર આદિ સર્વ દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન, પંડિત અથવા કોઈ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરી શકે તેમ નથી.

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા,
રામ મિલાય રાજપદ દીન્હા. ૧૬

આપે સુગ્રીવજીનું શ્રી રામ સાથે મિલન કરાવ્યું અને ઉપકાર કર્યો, જેને કારણે તે રાજપદ પામ્યા.

તુમ્હરો મંત્ર બિભીષન માના,
લંકેશ્વર ભએ સબ જગ જાના. ૧૭

આપનો ઉપદેશ વિભીષણે માન્યો અને તેથી તે લંકાના રાજા થયા, સમસ્ત સંસાર એ જાણે છે.

જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ,
લિહ્યો તાહિ મધુર ફલ જાનૂ. ૧૮

સૂર્ય એટલો દૂર છે કે ત્યાં પહોંચવા માટે હજાર યુગનો સમય જાય, તે હજારો યોજન દૂર રહેલા સૂર્યને આપે એક મીઠું ફળ સમજીને પકડી લીધો.

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહીં,
જલધિ લાંધિ ગયે અચરજ નાહીં. ૧૯

આપે શ્રી રામચન્દ્રજીની અંગુઠી મુખમાં રાખીને સમુદ્રને ઓળંગી ગયા તેમાં કંઈ આશ્ર્ચર્ય નથી.

દુર્ગમ કાજ જગત કે જે તે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે. ૨૦

સંસારમાં જેટલાં પણ કઠિનમાં કઠિન કામ છે તે આપની કૃપાથી સહેલાં થઈ જાય છે.

રામ દુલારે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિન પૈસારે. ૨૧

શ્રી રામના આપ દ્વાર રક્ષક છો જેમાં આપની આજ્ઞા વિના કોઈને પ્રવેશ મળી શકતો નથી.

સબ સુખ લહૈ તુમ્હારી સરના,
તુમ રચ્છક કાહૂ કો ડરના. ૨૨

જે કોઈ આપને શરણે આવે છે તે બધા સુખના અધિકારી છે, જ્યાં આપ રક્ષક છો, તો પછી કોઈનો ડર રહેતો નથી.

આપન તેજ સમ્હારો આપૈ,
તીનોં લોક હાંક તેં કાંપૈ. ૨૩

આપના સિવાય આપનો વેગ કોઈ રોકી શકે તેમ નથી, આપની ગર્જનાથી ત્રણે લોક કંપી ઊઠે છે.

ભૂત પિસાચ નિકટ નહીં આવૈ,
મહાબીર જબ નામ સુનાવૈ. ૨૪

જ્યાં મહાવીર હનુમાનજીનું નામસમરણ થતું હોય ત્યાં કદીય ભૂત પિશાચ આદિ નજીક આવી શકતાં નથી.

નાસૈ રોગ હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા. ૨૫

વીર હનુમાનજી ! આપનો નિરંતર જપ કરવાથી બધા રોગ દૂર થાય છે અને બધાં દુઃખ - કષ્ટો નાશ પામે છે.

સંકટ તે હનુમામન છુડાવૈ,
મન કર્મ વચન ધ્યાન જો લાવૈ. ૨૬

હે હનુમાનજી ! મનથી, વચનથી અને કર્મથી જેનું ધ્યાન આપનામાં રહે છે, તેને બધાં સંકટોમાંથી આપ છોડાવો છો.

સબ પર રામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા. ૨૭

તપસ્વી એવા રાજવી શ્રી રામ સૌથી શ્રેષ્ઠ છે, તેમનાં બધાં કાર્ય તમે સહજમાં કરી દીધાં.

ઔર મનોરથ જો કોઈ લાવૈ,
સોઈ અમિત જીવન ફલ પાવૈ. ૨૮

જેના ઉપર આપની કૃપા હોય તેની કોઈ પણ અભિલાષા પૂર્ણ થાય છે। તેનું ફળ તેને મળે છે। તેને અસીમ જીવનફળ - મુક્તિ મળે છે.

ચારોં જુગ પરતાપ તુમ્હારા,
હૈ પરસિધ્ધ જગત ઉજિયારા. ૨૯

ચારે યુગો ( સત્ , દ્વાપર, ત્રેતા અને કલિ) માં આપનો પ્રતાપ ફેલાયેલ છે। આપના કીર્તિ - પ્રકાશ જગતને ઉજ્જ્વળ બનાવે છે।

સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે. ૩૦

હે હનુમાનજી ! આપ સાધુ - સંતના રક્ષક છો તથા દુષ્ટોને દંડ દેનાર છો. આપ શ્રી રામના અત્યંત લાડીલા પ્રિય પાત્ર છો.

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,
અસ બર દીન જાનકી માતા. ૩૧

આપને માતા જાનકીએ એવું વરદાન આપેલું છે કે આઠ સિધ્ધિ અને નવ નિધિ (સંપત્તિ) આપ જેને ઈચ્છો તેને આપી શકો છો.

રામ રસાયન તુમ્હરે પાસા,
સદા રહો રઘુપતિ કે દાસા. ૩૨

આપ નિરંતર શ્રી રામના શરણમાં રહો છો. જેથી અસાધ્ય રોગના નાશ માટેની રામનામ રૂપી ઔષધિ આપની પાસે છે.

તુમ્હરે ભજન રામ કો પાવૈ,
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ. ૩૩

આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે, જન્મ - જન્માંતરનાં દુઃખ દૂર થાય છે.

અંતકાલ રઘુબર પુર જાઈ,
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ। ૩૪

અંત સમય શ્રી રઘુનાથજીના ધામમાં જાય છે અને જો ફરી જન્મ ધારણ કરશે તો ભક્તિ કરશે અને રામભક્ત કહેવાશે.

ઔર દેવતા ચિત્ત ન ધરઈ,
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. ૩૫

હે હનુમાનજી ! આપની સેવા કરવાથી સર્વ પ્રકારનાં સુખ મળે છે, પછી બીજા કોઈ દેવતાનું હ્રદયમાં ધ્યાન ધરવાની આવશ્યક્તા રહેતી નથી.

સંકટ કટૈ મિટૈ સબ પીરા,
જો સુમિરે હનુમંત બલબીરા. ૩૬

જે કોઈ વીર હનુમાનજીનું સ્મરણ કરે છે તેની બધી વિપત્તિ નાસ પામે છે અને બધું દુઃખ મટી જાય છે.

જૈ જૈ જૈ હનુમાન ગુસાંઈ,
કૃપા કરહું ગુરૂ દેવ કી નાઈ. ૩૭

હે હનુમાનજી ! આપનો જય હો, આપ મારા મન તથા શરીરના સ્વામી છો. આપ મારા ઉપર કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.

જો સત બાર પાઠ કર કોઈ,
છૂટેહિ બંદી મહાસુખ હોઈ. ૩૮

જે કોઈ આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરે તો તેનાં બંધન છૂટી જાય છે અને તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે.

જો યહ પઢૈ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા. ૩૯

જે ભક્ત આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો તેને નિશ્ચય સફળતા મળશે, તેના સાક્ષી સાક્ષાત્ ભગવાન શંકર છે.

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હ્રદય મહં ડેરા. ૪૦

તુલસીદાસજી કહે છે કેઃ હે હનુમાનજી ! તુલસીદાસ હંમેશાં શ્રી રામનો દાસ છે, માટે આપ હંમેશાં એમના હ્રદયમાં નિવાસ કરો.

પવનતનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ,
રામ લક્ષ્મણ સીતા સહિત , હ્રદય બસહુ સુર ભુપ.

હે પવનપુત્ર હનુમાનજી ! આપ સંકટ દૂર કરનારા અને આનંદ મંગળના સ્વરુપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી સહિત અમારા હ્રદયમાં નિવાસ કરો.

No comments:

Post a Comment