સમય... મારા ભાઇ :: સુરેશ જાની

સમય ભુલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
હતા કદીયે ભાનમાં? તે ભુલીયે પાછા ભાઇ?

સમય સમયની બલિહારી છે, એવું કહો છો ભાઇ!
સમય આવે ને મન ઊઠે, એમેય બને છે ભાઇ!

સમય વર્તે સાવધાન, તે ભારી બંકા ભાઇ !
શેરને ય માથે સવાશેર છે, તે પણ સાચું ભાઇ!

સમયનાં વાજાં સમયે વાગે, તે તો સાચું ભાઇ!
સંકટનાં પડઘમ ના શમતા, તેનું શું કરવું ભાઇ?

સમય જતાં સહેવાશે, એવું કહો છો ભાઇ!
પણ મારા દિલની આ ઊલઝન, શેં કદિ ન ઊલઝે ભાઇ?

કોઇને માટે નથી અટકતો, સમય તે સાચું ભાઇ!
પગલે પગલે અટકાવી દે, તેનું શું કરવું ભાઇ?

શ્વાનનો ય સમય આવશે, એવું કહો છો ભાઇ!
રાહ એની શેં જોવી? મુજને સમઝાવો ભાઇ!

ક્યારે ય કોઇનો થયો નથી, આ સમય, મારા ભાઇ
ખયાલ બદલું તો તને ય નાથું, એ પણ સાચું ભાઇ!

સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

(સાભાર: સુરેશ જાની)

No comments:

Post a Comment