શાનદાર :: સૈફ પાલનપુરી

હોઠો હસી રહ્યા છે અને અશ્રુધાર છે;
મારા વિશે આ મારો અનોખો પ્રચાર છે.

અવકાશ જો મળે તો તમે આ વિચારજો,
યૌવનની ભૂલ એક સરસ યાદગાર છે.

ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા,
મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે.

બચપણ પછી યુવાની, યુવાની પછી ઉમંગ,
કેવો સરળ ને છાનો તમારો પ્રચાર છે.

વિશ્વાસ હું મૂકું છું બધા માનવી ઉપર,
વર્ષોથી મારો પ્રિય વિષય અંધકાર છે.

પગલાંઓ મારાં મેં જ ભૂંસ્યા કે ભરમ રહે,
વાતાવરણ કહે કે કોઈ આવનાર છે.

ઉપકાર પણ કરીને ઢળી જાય છે સદા,
આંખો ઉપર ખુદાને ખબર શેનો ભાર છે?

કહેવું પડ્યું ઢળેલાં નયન જોઈને આ 'સૈફ'
જે પ્યારમાં મળે એ પતન શાનદાર છે.

- સૈફ પાલનપુરી

No comments:

Post a Comment