ધ્રૂજતી જ્યોત :: 'સૂફી' પરમાર

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું

ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું

વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું

વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું

સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું

પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું

વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું

મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું

પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
'સૂફી' કહે છે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું

- 'સૂફી' પરમાર

No comments:

Post a Comment